ઝીરો ડિગ્રી ઠંડી અને કાળઝાળ ગરમીની વિષમ પરિસ્થિતિમાં ફરજ બજાવતા BSFના હાથોમાં દેશની મજબૂત સુરક્ષા
દેશની 6500 કિ. મી. આંતરરાષ્ટ્રીય બોર્ડર પર BSFનો પહેરો, ગુજરાતમાં 826 કિ. મી. ભારત-પાક. બોર્ડર BSFના જવાનો ખડેપગે
આજે સમગ્ર દેશ અને દુનિયા થર્ટી ફર્સ્ટની ઉજવણી અને નવા વર્ષ-૨૦૨૩ને આવકારવા માટે વ્યસ્ત છે જ્યારે નડાબેટ ભારત- પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર BSF ના જવાનો નેશન ફર્સ્ટના સેવાધર્મ સાથે દેશની સેવામાં મસ્ત છે. આપણે લોકો સુખચૈનથી પોત પોતાના ઘરોમાં રહેતા હોઇએ તો તેના માટે દેશની સરહદોની રખેવાળી કરતા સૈન્યનો આભાર માનીએ એટલો ઓછો છે. ઇન્ડિયન આર્મી, B. S. F, CRPF સહિત દેશની સુરક્ષા માટે અન્ય પેરામિલેટરી ફોર્સ પણ અગત્યની જવાબદારી નિભાવી રહ્યા છે. જેમાં BSF એટલે ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સની ભૂમિકામાં દેશની સરહદોની રક્ષા કરવાની મહત્ત્વની જવાબદારી નિભાવે છે. ભારત દેશને અડીને આવેલા બે દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદો પર BSF તૈનાત છે. ભારત-પાકિસ્તાન અને ભારત બાંગ્લાદેશની 6500 કિ. મી. આંતરરાષ્ટ્રીય બોર્ડર પર BSF ની કડી નિગરાની છે, તેના સિવાય જમ્મુ કાશ્મીરમાં લગભગ 147 કિ. મી. લાઇન ઓફ કન્ટ્રોલ પર પણ BSF જવાનોનો પહેરો છે. સાચા અર્થમાં કહીએ તો BSF દેશની સરહદોના પ્રહરી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવે છે. થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં લોકો મિત્રો અને પરિવારજનો સાથે વિવિધ જગ્યાએ ઉજવણી માટે જતા હોય છે જ્યારે નડાબેટ ખાતે પોતાના વતનથી દૂર દેશની સેવામાં તૈનાત જવાનોને મળી પ્રવાસીઓએ તેમની રાષ્ટ્ર ફરજને બિરદાવી આત્મિયતાથી વાતો કરી તેમના પ્રત્યે આદર અને આભારની લાગણી વ્યક્ત કરે છે.
ગુજરાતની 826 કિ. મી. આંતરરાષ્ટ્રીય બોર્ડર BSF ની બાજ નજર હેઠળ
દેશની આંતરરાષ્ટ્રીય સરહદોની રક્ષા કરતા BSF જવાનો રાજસ્થાન બોર્ડરથી કચ્છ સુધીની 826 કિ. મી. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર તૈનાત છે. જેમાં મેડી થી જખૌ બંદર સુધીના 85 કિ. મી. દરિયાઈ માર્ગ પર પણ BSF પડકારજનક ફરજ નિભાવે છે. BSFના જવાનો દરિયાઈ વિસ્તાર, પર્વતો, ઉપરાંત રાજસ્થાનનું થાર રણ, ગુજરાતનું કચ્છનું રણ, કચ્છનો સરક્રિક વિસ્તાર જે 4050 સ્કવેર કિ. મી. પર BSF સુરક્ષા કરે છે. દરેક વિસ્તારોમાં પ્રતિકૂળ પરિસ્થિતિ સાથે ઝેરી જીવ જંતુઓથી પણ પોતાની જાતને સુરક્ષિત રાખવી પડે છે. ઝીરો ડિગ્રી ઠંડી અને કાળઝાળ ગરમીની વિષમ પરિસ્થિતિ હોય કે વરસાદ, બરફવર્ષા, તોફાન, ભૂ-સ્ખલન કે કોઈપણ કુદરતી કે માનવ સર્જિત સંજોગો હોય BSF સદૈવ અડગ રહી તેના સૂત્ર “જીવન પર્યંત કર્તવ્ય” અનુસાર દેશની સુરક્ષા કરતા અડીખમ ડ્યુટી નિભાવે છે.
નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર
બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર શરૂ કરાયેલ સીમા દર્શન પ્રોજેક્ટ શાળા-કોલેજના વિદ્યાર્થીઓથી લઇને તમામ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. નડાબેટ ખાતે પ્રવાસીઓના આકર્ષણ માટે ટી પોઇન્ટ, આગમન પ્લાઝા, ઓડિટોરિયમ, પાર્કિંગ, રિટર્નિંગ વોલ, પીવાના પાણીની સુવિધા, રી-ટ્રીટ સેરોમની સરહદની રોમાંચનો અનુભવ કરાવે છે. બાળકો માટે સાઈકલિંગ, વિવિધ ગેમ્સ અને પ્રવાસીઓ માટે 1965 અને 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં વપરાયેલ વિવિધ હથિયારોની ઝાંખીથી ખુશ ખુશાલ બની જવાય છે, ઉપરાંત સૌર ઉર્જાથી પ્રકાશિત 14 જેટલાં સોલાર ટ્રી અને લાઇટિંગથી રાત્રીનો નજારો જાજરમાન હોય છે.
યુદ્ધમાં વપરાયેલ હથિયારો ટેન્ક, લડાકુ વિમાનો બાળકોની કુતુહલવૃત્તિનો જવાબ આપે છે
પ્રવાસીઓના આકર્ષણ માટે BSF ની થીમ પર નડાબેટના 7 પોઇન્ટથી ઝીરો પોઇન્ટ સુધી લોકો સુરક્ષા દળો સેનાની કામગીરીથી પરિચિત થાય તેમાટે રસ્તા વચ્ચે અલગ અલગ જગ્યાએ 1971ના યુદ્ધમાં વપરાયેલ મિગ21 વિમાન, સરફેસ ટુ સરફેસ મિસાઈલ, 55 ટેન્ક આર્ટિલરી ગન, ટોર્પિડો વિંગ ડ્રોપ ટેન્ક, ડિસ્પ્લે કરવામાં આવ્યા છે જે બાળકોની કુતુહલવૃત્તિનો જવાબ આપે છે તેમજ અલગ અલગ જગ્યાએ ઊંચા ઉભા કરેલા સેલ્ફીપોઇન્ટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. જ્યારે ઝીરો પોઇન્ટ ખાતે પણ પ્રવાસીઓ બેસી શકે અને પ્રવાસને યાદગાર બનાવી શકે તે માટે સારી વ્યવસ્થા કરાઈ છે. વર્ષે લાખોની સંખ્યામાં અહીં સહેલાણીઓ આવે છે અને અફાટ રણના આહલાદક વાતાવરણમાં શાંતિનો અનુભવ કરે છે.