પાકિસ્તાની હિન્દુઓની એક ઇચ્છા પૂરી કરવામાં નરેન્દ્ર મોદી સરકાર મોટી મદદ કરવા જઇ રહી છે. પાકિસ્તાનનાં અનેક હિન્દુઓની ઇચ્છા હોય છે કે મર્યા બાદ તેમની અસ્થિઓને પવિત્ર ગંગામાં વિસર્જિત કરવામાં આવે પરંતુ પાકિસ્તાનથી ભારત આવવું સરળ નથી. તેવામાં મોદી સરકારે આ દિશામાં એક મોટું પગલું ભર્યું છે જેના કારણે પાકિસ્તાની હિન્દૂઓ પણ પોતાના નજીકી લોકોની અસ્થિઓનું વિસર્જન ઉત્તરાખંડનાં હરિદ્વારમાં કરી શકશે. વીઝાની મદદથી લોકો પોતાના પરિવારનાં સદસ્યોની અસ્થિઓને હરિદ્વાર લાવીને પવિત્ર ગંગામાં વિસર્જિત કરી શકશે.
સ્પૉન્સરશિપ પૉલિસીમાં સુધારો
કેન્દ્ર સરકારની સ્પૉન્સરશિપ પૉલિસીમાં સુધારા બાદ એવું પહેલીવાર બનશે જ્યારે 426 પાકિસ્તાની હિન્દૂઓની અસ્થિઓને તેમના પરિવારનાં લોકો દ્વારા હરિદ્વારમાં ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવશે. વર્તમાનમાં આ અસ્થિઓ કરાંચીનાં કેટલાક મંદિરો અને સ્મશાન ઘાટો અને અન્ય સ્થળો પર રાખવામાં આવેલ છે.
પાકિસ્તાની હિન્દૂઓને 10 દિવસનો વીઝા!
અત્યાર સુધી જો કોઇ પાકિસ્તાની હિન્દૂ શ્રદ્ધાળુને ભારત આવવું હોય છે તો તેમને વગર અનુમતિ આવવા મળતું નથી. પરંતુ હવે મોદી સરકાર એ તમામ હિન્દૂ પરિવારોને 10 દિવસોનો ભારતીય વીઝા આપશે જેના થકી તેઓ પોતાના પરિવારનાં સદસ્યોની અસ્થિઓને ગંગા નદીમાં વિસર્જિત કરી શકે. વર્ષ 2011થી 2016 સુધી 295 પાકિસ્તાની હિન્દૂઓની અસ્થિ વાઘા બોર્ડર પર મોકલવામાં આવી હતી. પરંતુ આ પહેલીવાર થશે કે જ્યારે પરિવારનાં સદસ્યો પોતે અસ્થિ લઇને હરિદ્વાર આવી શકે.
શું છે ભારત સરકારનાં નિયમો?
ભારત સરકારની પોલિસી અનુસાર મૃતક પાકિસ્તાની હિન્દૂ પરિવારનાં કોઇ સદસ્યને ભારત આવવા માટે ત્યારે જ વીઝા આપવામાં આવશે જ્યારે તેમનાં ભારતમાં રહેવાવાળાં કોઇ સંબંધી તેમને સ્પોન્સર કરે. તેવામાં એવા ઘણાં ઓછા પાકિસ્તાની હિન્દૂઓ છે કે જેમના નજીકી લોકો ભારતમાં રહેતાં હોય.
કરાચીમાં હનુમાન મંદિરમાં રાખી છે અસ્થિઓ
કરાચીનાં સોલ્જર બજારમાં સ્થિત શ્રી પંચમુખી હનુમાન મંદિરનાં સદસ્ય રામનાથએ જણાવ્યું કે કોઇક કારણોસર હજારો લોકોની અસ્થિઓ મંદિરોમાં રાખવામાં આવી છે. તેમના પરિવારોને આશા હતી કે એક દિવસ જરૂરથી આ અસ્થિઓ ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવશે.