આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં 26 મી જાન્યુઆરીના રોજ પ્રજાસતાક પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવશે. ત્યારે પ્રજાસત્તાક પર્વને યાદગાર બનાવવા માટે અને સામાન્ય નાગરિકો પણ દેશના જવાનો સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો આનંદ અને ગૌરવની અનુભૂતિ કરી શકે તેવા ઉમદા આશયથી સીમા સુરક્ષા દળ (BSF) દ્વારા આગામી 26 જાન્યુઆરીને અનુલક્ષીને નડાબેટ- સીમા દર્શન સ્થળ ખાતે ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાગરિકોને ઉપસ્થિત રહી BSF દ્વારા થતી ઉજવણીનો સાક્ષાત્કાર કરવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
26 જાન્યુઆરી, 2023 ના રોજ પ્રજાસત્તાક દિન નિમિત્તે અટારી- વાઘા બોર્ડર ખાતે જે રીતે પરેડ યોજાય છે એ સ્તરની ભવ્ય પરેડનું BSF દ્વારા સીમા દર્શન સ્થળ- નડાબેટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યોજાનારી પરેડના સ્તરે સીમા દર્શન, નડાબેટ ખાતે ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવશે. મુખ્ય મહેમાન રવિ ગાંધી, મહાનિરીક્ષક BSF ફ્રન્ટીયર હેડક્વાર્ટર ગુજરાત, ગાંધીનગરની અધ્યક્ષતામાં આ ભવ્ય પરેડ યોજાશે. ઉપરાંત લોકોના આકર્ષણ અને મનોરંજન માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
જે અંતર્ગત રન ફોર યુનિટી મેરેથોન, ધ્વજવંદન, થાર કાર રેલીને ફ્લેગ ઓફ, સાંસ્કૃતિક/ દેશભક્તિના કાર્યક્રમો તેમજ બીટીંગ રીટ્રીટ પરેડનું ઉદઘાટન જેમાં ઊંટ ટુકડી દ્વારા કાર્યક્રમો, હંસ (ડોગ) શો, સહિત BSF મહિલા રક્ષકો દ્વારા વિવિધ પ્રસ્તુતિ કરવામાં આવશે. આ કાર્યક્રમો સવારે 07:00 થી શરૂ કરીને સાંજે 18:00 સુધી ચાલશે. આ પ્રસંગે રવિ ગાંધી ઈન્સ્પેક્ટર જનરલ ફ્રન્ટીયર હેડક્વાર્ટર ગુજરાત, ગાંધીનગર સીમા સુરક્ષા દળ (BSF) દ્વારા પ્રેસ કોન્ફરન્સ/ પ્રેસ મીટનું પણ આયોજન કરાયું છે.
આઝાદી કા અમૃત મહોત્સવને સફળ બનાવવામાં સામાન્ય નાગરિકો પોતાનું યોગદાન આપી શકે તે હેતુસર આયોજિત આ પરેડમાં BSF દ્વારા લોકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.