સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસની હરણફાળ ભરતા ગુજરાતના સમાચાર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગામી VGGS2024 ના પૂર્વાર્ધરૂપે ગાંધીનગર ખાતે આયોજિત પ્રિ-વાઇબ્રન્ટ હેલ્થ સમિટ ‘Holistic Healthcare’ નો શુભારંભ કરાવ્યો હતો.
રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી તેમજ આરોગ્ય ક્ષેત્રના દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘Good Health and Well-being for All’ થીમ પર આયોજિત આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના હેલ્થકેર સેક્ટરને વિશ્વકક્ષાનું બનાવીને આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય રજૂ કર્યું છે જેમાં ગુજરાત અગ્રેસર બનીને કાર્યરત છે.
આયુર્વેદ અને આધુનિકતા સાથે ગુજરાતે આરોગ્ય ક્ષેત્રમાં કરેલ પ્રગતિ તેમજ રાજ્ય સરકારના પ્રયાસોના પરિણામે છેવાડાના માનવી સુધી વિસ્તરેલ આરોગ્ય સેવાઓના વ્યાપનો ચિતાર આપતાં મુખ્યમંત્રીશ્રીએ ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ઉપકરણોના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં અગ્રેસર ગુજરાતની સિદ્ધિઓને વર્ણવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રિ-વાઇબ્રન્ટ હેલ્થ સમિટમાં થનાર સામુહિક વિચારમંથનને વડાપ્રધાનશ્રીના ‘Health For All’ વિઝનને સાકાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતે આયોજિત 18મા GIHED પ્રોપર્ટી શો નો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં GIHED-CREDAI અને બે સંસ્થાઓ વચ્ચે CSR પ્રવૃત્તિઓ દ્વારા કાર્બન ફુટ પ્રિન્ટ ઘટાડવાના લક્ષ્ય સાથે 1 લાખ વૃક્ષોનું વાવેતર કરીને અમદાવાદમાં અર્બન ફોરેસ્ટના વિકાસ તેમજ અમદાવાદ જિલ્લામાં 50 સરકારી શાળાઓના અપગ્રેડેશન, સ્માર્ટ સ્કૂલ્સ તેમજ ગર્લ્સ-બોય્ઝનાં અલગ ટોયલેટ બનાવવા માટે MoU સંપન્ન કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં વિરાસતોની મહત્તા અને જાળવણી સાથે સમયાનુકુલ વિકાસ પણ થઈ રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, વિરાસતના ગૌરવના આવા માહોલ સાથે ગુજરાતમાં VGGS2024 ના આયોજનથી આધુનિક વિકાસનું વાઇબ્રન્ટ વાતાવરણ ઉભું થયું છે.