વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 (VGGS24) ઘણી વિશિષ્ટતાઓ અને સફળતાઓ લઈને આવી છે. મુખ્યમંત્રીશ્રી અને મુખ્ય સચિવશ્રીના માર્ગદર્શન અને દોરવણી હેઠળ આ સમિટનું આયોજન ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યુ હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ચાર દેશોના વડાઓ, અન્ય પંદર દેશના નાયબ વડાપ્રધાનશ્રી-મંત્રીશ્રીઓ તેમજ ગ્લોબલ સી.ઈ.ઓ., કેન્દ્ર સરકારના મંત્રીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપરાંત વેપાર-ઉદ્યોગના અગણિત પ્રતિનિધિઓની સાથે ગુજરાત સરકારનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સમગ્ર મંત્રીમંડળ તેમજ તમામ વિભાગના અધિકારીઓની ભાગીદારીથી વર્તમાન સમિટ શોભી રહી હતી.
ટેક્નિકલ સેમિનાર, બી-ટુ-બી અને બી-ટુ-જી મીટીંગ, કન્ટ્રી સેમિનારથી મહાત્મા મંદિરનો પ્રત્યેક ખૂણો ત્રણ દિવસ સુધી ધમધમતો રહ્યો હતો.
સેમિકન્ડકટર, ગ્રીન હાઈડ્રોજન, બિનપરંપરાગત ઊર્જા વગેરે વિષયોના નિષ્ણાતોનાં વિચારોએ તેને ખરેખર ‘ગેટ વે ટુ ધ ફયુચર’ બનાવી હતી. ટ્રેડ શૉ જોવા માનવમહેરામણ ઉમટયો હતો, એ જ રીતે, અમદાવાદ અને ગાંધીનગરની સ્વચ્છતા અને રોશનીએ આ સમિટને ચાર ચાંદ લગાવી દીધા હતા.
અમૃતકાળની પહેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત અને વિશ્વની અગ્રગણ્ય કંપની અને વિવિધ દેશોના પ્રતિનિધિઓને સંબોધતાં આ ઇવેન્ટ અને તેની સફળતાને વર્ણવતાં કહ્યું હતું કે “તમારાં સપનાં એ જ મારો સંકલ્પ! જેટલાં તમારાં સપનાં મોટાં હશે એટલો મારો સંકલ્પ મોટો હશે.”
વાઇબ્રન્ટ સમિટમાં હજારો કરોડોના સમજૂતી કરારો ઉપરાંત ગુજરાત, ભારત દેશને સક્ષમ અને સમૃદ્ધ બનાવવાના સંકલ્પો જાહેર મંચ પરથી અગ્રણી કંપનીઓ અને વિવિધ દેશના પ્રતિનિધિઓએ વ્યક્ત કર્યાં હતા. ભારતને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાના વડાપ્રધાનશ્રીના નિર્ધારનો પ્રતિઘોષ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જોવા મળ્યો.
આ સમિટના પ્રારંભે વડાપ્રધાનશ્રી દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ અમૃતકાળની પ્રથમ સમિટની યાદમાં ‘સ્મારક સિક્કા’ તેમજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનાં સફળતાપૂર્વક ૨૦ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ‘સ્મારક સ્ટેમ્પ’નું અનાવરણ કરવામાં આવ્યું હતું.
VGGS24: ભારતને વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાના વડાપ્રધાનશ્રીના નિર્ધારનો પ્રતિઘોષ
Leave a comment
Leave a comment