Banaskantha: સુઇગામ તાલુકાના બોરું ખાતે જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવાયો
બનાસકાંઠા જિલ્લામાં ૨૬ મી જાન્યુઆરીને ૭૫ મા પ્રજાસત્તાક પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. સરહદી સુઇગામ તાલુકાના બોરું ગામે જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો શાનદાર સમારોહ યોજાયો હતો. જેમાં કલેકટરશ્રીએ ધ્વજવંદન કરાવી તિરંગાની સલામી ઝીલી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજારોહણ કર્યું હતું. તેમજ તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ જિલ્લા પોલીસની વિવિધ 9 પ્લાટુન દ્વારા માર્ચ પાસ્ટ યોજાઈ હતી. તેમજ જિલ્લાની સુરક્ષા કરતા વિવિધ પોલીસ વાહનોનું વાહન નિદર્શન યોજાયું હતું. તો શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના બાળકો દ્વારા બેગપાઈપર બેન્ડના નિદર્શન હેઠળ સંગીતની સુમધૂર સુરાવલી રેલાવવામાં આવી હતી.
ભુપેન્દ્ર ભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય દેશભરમાં વિકાસ મોડેલ બન્યું
આ પ્રસંગે જિલ્લા વાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતાં જિલ્લા કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલે કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સશક્ત નેતૃત્વમાં વિશ્વભરમાં ભારત દેશનો ડંકો વાગી રહ્યો છે.આગામી સમયમાં આપણો દેશ વિશ્વગુરુ અને મહાસત્તા બનવા જઇ રહ્યો છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ રાજ્યના ઉર્જાવાન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય દેશભરમાં વિકાસ મોડેલ બન્યું છે. રાજ્યની વણથંભી વિકાસ યાત્રામાં બનાસકાંઠા જિલ્લાએ પણ પોતાના યોગદાન દ્વારા ખેતી, પશુપાલન, રોડ રસ્તા, શિક્ષણ, રોજગારી, આરોગ્ય એમ વિવિધ ક્ષેત્રના વિકાસ થકી રાજ્ય અને દેશભરમાં ગૌરવવંતુ સ્થાન મેળવ્યું છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ છે. તો સમગ્ર રાજયમાં ટેકાના ભાવે સૌથી વધુ બાજરીની ખરીદી બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવી છે. જિલ્લામાં કોવોલિટી પ્રોગ્રામ અંતર્ગતની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ ક્રમાંકે આવેલ છે એમ જણાવી કલેકટરશ્રીએ સૌને અભિનંદન પાઠવ્યા હતા. તો તાજેતરમાં સુઇગામ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન બદલ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ શક્તિપીઠ અંબાજી, સરહદી વિસ્તાર નડાબેટ અને સમગ્ર જિલ્લાના વિકાસ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જિલ્લાની વણથંભી વિકાસયાત્રામાં જોડાવા સૌને આહવાન કરતાં કલેકટર શ્રીએ સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ આપી હતી.
શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લઈ રહેલ જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ” બેટી હિંદુસ્તાન કી” , “હું તો પાટણ શૅર ની નાર”, ” એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’ તી”, જેવા સંગીતમય કાર્યક્રમોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જ્યારે શોર્ય રસનું વર્ણન કરતી ફ્રીડમ ફાઇટર , તલવાર ડાન્સ અને ઝાંસી કી રાની જેવી પ્રસ્તુતિઓને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી.
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પોલીસના ડોગ સ્ક્વોડ દ્વારા ડોગ શો યોજાયો હતો. જેમાં ડોગ રોશની અને લકીએ ડોગ હેન્ડલરના વિવિધ આદેશો નું પાલન કરી બતાવ્યું હતું. તેમજ વિવિધ જમ્પ અને ગુન્હા શોધક માં મર્ડર અને ચોરી લૂંટ જેવા ગુનામાં ડોગની ભૂમિકાનું ડેમોસ્ટ્રેશન કરાયું હતું જેણે લોકોને અચંબિત કરી દીધા હતા. ત્યારબાદ જિલ્લા પોલીસ અશ્વદળ દ્વારા હોર્સ શો યોજાયો હતો. જેમાં રિયા, સોફિયા, માઈકલ અને બલરામ અશ્વના અશ્વરોહકો દ્વારા કરાયેલા દિલધડક સ્ટંટે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
આ પ્રસંગે કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલના હસ્તે સુઇગામના મદદનીશ કલેકટરશ્રી કાર્તિક જીવાણીને વિકાસકાર્યો માટેની ૨૫ લાખની ગ્રાન્ટનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ જિલ્લાના રમતવીરો, કલાકારો અને વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને અગત્યની ભૂમિકા ભજવનાર ૧૫૨ જેટલા લોકોનું પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તો ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા રમતવીર વિદ્યાર્થીઓ તેમજ દિવ્યાંગોને પણ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષા રોપણ કરાયું હતું. ઉપસ્થિત સૌને હદયાઘાત સમયે જીવન રક્ષક એવી સી.પી.આર. તાલીમનું નિદર્શન નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યું હતું.
આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સાંસદશ્રી પરબતભાઇ પટેલ, ધારાસભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોર, મહામંડલેશ્વરશ્રી જયરામદાસજી, અગ્રણીશ્રી સરતાનભાઈ દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, નાયબ વન સંરક્ષકશ્રી અભયકુમાર સિંઘ, મદદનીશ કલેકટરશ્રી કાર્તિક જીવાણી તથા શ્રી સ્વપ્નિલ સિસ્લે, પ્રોબેશનર આઇપીએસ શ્રી રોહિતકુમાર સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, પોલીસ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ અને સરહદી વિસ્તારની રાષ્ટ્રપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- નરેન્દ્ર ભાટ
ક્રાઈમ પોસ્ટર ન્યૂઝ