Banaskantha: અમીરગઢ મામલતદારના બનાવટી સહી- સિક્કા બનાવી 50 થી વધુને જમીનના હુકમો આપી દેવાયા
દરેક લાભાર્થી પાસે અઢી-અઢી લાખ લઈ 1.25 કરોડનું કૌભાંડ આચર્યાનું ખુલતાં અજાણ્યા શખ્સો સામે ગુનો
25 દિવસ પહેલાં અરજદાર જમીન બાબતની અરજીનું પંચનામુ કરવા કચેરી આવતાં કૌભાંડ બહાર આવ્યું
ખોટી સરકારી કચેરી,ખોટું ટોલનાકું અને નકલી અધિકારી બાદ હવે મામલતદારના ખોટા સિક્કા બનાવી જમીનના ડુપ્લીકેટ હુકમ બનાવવાનું કૌભાંડ બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. અમીરગઢની મામલતદાર કચેરીના બનાવટી સિક્કા બનાવી મામલતદારની નકલી સહી કરી તાલુકાના ઉમરકોટ ગામની જમીનના ડુપ્લીકેટ હુકમો બનાવી 50થી વધુ લાભાર્થીઓને ફાળવી દીધા હોવાનો સનસનીખેટ ખુલાસો થયો છે.કેટલાક અજાણ્યા ભેજાબાજોએ પ્રત્યેક લાભાર્થી પાસેથી અઢી અઢી લાખ રૂપિયા લઈ સવા કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે.એક લાભાર્થીએ મામલતદાર કચેરીમાં જઈને હુકમ થયેલ જમીનનું પંચનામુ કરવા આવવા નું કહેતા ભેજાબાજોની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. જેથી અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે
અહેવાલ : પાંચાજી વાઘેલા