રાજકોટઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની રોમાંચક 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. અત્યાર સુધી શ્રેણીની બે મેચ રમાઈ છે જેમાંથી પ્રથમ ઈંગ્લેન્ડે જીતી હતી અને બીજી મેચ ભારતે જીતી હતી. હવે ત્રીજી મેચમાં બંને ટીમો એકબીજાને હરાવી સિરીઝમાં લીડ લેવા ઈચ્છે છે. જો કે આ મેચમાં ઈંગ્લેન્ડનો અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસન વર્લ્ડ રેકોર્ડ બનાવવાથી માત્ર 5 વિકેટ દૂર છે. જો તે આ ટેસ્ટમાં 5 વિકેટ લેશે તો તે ઈતિહાસ રચશે.
જેમ્સ એન્ડરસન 5 વિકેટ લઈને 700 વિકેટ પૂરી કરશે
41 વર્ષીય જેમ્સ એન્ડરસન 21 વર્ષથી ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો છે. આ બે દાયકામાં એન્ડરસને ટેસ્ટ ફોર્મેટમાં પોતાનું નામ બનાવ્યું છે. હવે એન્ડરસન ઈતિહાસ રચવાથી માત્ર 5 વિકેટ દૂર છે. તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી 184 ટેસ્ટ રમી છે, જેમાં તેના નામે 695 વિકેટ છે. હવે રાજકોટ ટેસ્ટમાં 5 વિકેટ લીધા બાદ તે ટેસ્ટમાં 700 વિકેટ પૂરી કરશે.
આ સાથે એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ લેનારો પ્રથમ ઝડપી બોલર બની જશે. આ પહેલા કોઈ ફાસ્ટ બોલરે ટેસ્ટમાં 700 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી નથી. જેમ્સ એન્ડરસન ઈંગ્લેન્ડ માટે અત્યાર સુધીમાં 194 વનડે અને 19 ટી-20 મેચ રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે વનડેમાં 269 અને ટી20માં 18 વિકેટ ઝડપી છે.
જેમ્સ એન્ડરસન હંમેશા ભારતીય ક્રિકેટ ટીમને ટેસ્ટમાં પરેશાન કરે છે. ટીમ ઈન્ડિયા તેમની સામે સંઘર્ષ કરી રહી છે. તેણે ટેસ્ટમાં ભારત સામે 144 વિકેટ લીધી છે, જે ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં કોઈપણ બોલર દ્વારા સૌથી વધુ છે. જો કે હવે તે જલ્દી જ 700 વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કરી લેશે.