ભારતમાં પ્રથમ વખત, પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ આજે ગાંધીનગરથી ગુજરાતના કચ્છ જિલ્લામાં કોટેશ્વર તીર્થધામ પાસે લક્કી નાળા વિસ્તારમાં “સમુદ્રી સીમા દર્શન”નું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું.
Kutch travel news : “કચ્છ નહિ દેખા તો કાંઈ નહિ દેખા” એ મંત્રને સાર્થક કરવા, પ્રવાસન હેતુથી કચ્છમાં એક નવું પ્રવાસન આકર્ષણ ઉમેરાયું છે. ભારતમાં પ્રથમ વખત, પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ આજે ગાંધીનગરથી ગુજરાતના કચ્છ જિલ્લામાં કોટેશ્વર તીર્થ ધામ પાસે લક્કી નાળા વિસ્તારમાં “સમુદ્રી સીમાદર્શન”નું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને કચ્છ કલેક્ટર સહિતના મહાનુભાવોએ લક્કી નાળા વિસ્તારમાં પ્રથમ બોટ રાઈડનું ભૌતિક ઉદ્ઘાટન કરી લીલી ઝંડી આપી હતી. પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, આપણા ગુજરાત રાજ્યને પડોશી દેશ પાકિસ્તાન સાથે બે પ્રકારની આંતરરાષ્ટ્રીય સરહદો છે – જમીન અને સમુદ્ર. જમીન સરહદની ચર્ચા બાદ હવે ગુજરાત ટુરિઝમે કચ્છના અખાતમાં સિરક્રીક નજીક દરિયાઈ સીમા દર્શન પ્રોજેક્ટને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું આયોજન કર્યું છે.
બોટ રાઈડ દરિયાના વહેણના સમયને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવશે
કચ્છમાં આવતા પ્રવાસીઓને ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદની માહિતી મળી રહે તેમજ આપણી સરહદની કામગીરીથી પણ માહિતગાર થાય તે હેતુથી ભારતમાં સૌપ્રથમવાર “સમુદ્રી સીમા દર્શન”નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. સરહદ પર તૈનાત BSFના ગાર્ડ. ભારતના કચ્છ જિલ્લાના કોટેશ્વર તીર્થધામ પાસે આવેલ લક્કી નાળાનો વિસ્તાર, જે અત્યાર સુધી પ્રતિબંધિત હતો, તે હવે પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ દ્વારા ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદને જોડતા દરિયાઈ વિસ્તારમાં બોટ રાઈડનો પણ લાભ લઈ શકાશે અને આ રીતે એડવેન્ચર ટુરિઝમની નવી પહેલ શરૂ થવા જઈ રહી છે. આ બોટ રાઈડનું સંચાલન મેરી ટાઈમ બોર્ડ દ્વારા કરવામાં આવશે. હાલમાં 6 સીટર, 12 સીટર અને 20 સીટર જેવી વિવિધ બોટ ફાળવવામાં આવી છે. જેમાંથી પ્રવાસીઓ માટે આજથી સ્થળ પર 6 સીટર બોટ કાર્યરત કરવામાં આવી છે. આ બોટ રાઈડ દરિયાના વહેણના સમયને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવશે.
ખાડી વિસ્તારમાં પ્રવાસન વિકાસ માટે નવા દરવાજા ખોલવામાં આવ્યા
ભવિષ્યમાં અહીં પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ વિકસાવવામાં આવશે. જેમાં ફ્લોટિંગ જેટી, વોચ ટાવર, મરીન ઇન્ટરપ્રિટેશન સેન્ટર, મેન્ગ્રોવ વોક, ફૂડ કિઓસ્ક, ઇન્ફોર્મેશન સેન્ટર, કન્વેન્શન સેન્ટર, પબ્લિક યુટિલિટી, બીએસએફ ઇન્ટરેક્શન ફેસિલિટી, ભૂંગા રિસોર્ટ, એડવેન્ચર પાર્ક, નેચર ટ્રેલ્સ વગેરેનો સમાવેશ થશે. આ પ્રોજેક્ટમાં ગુજરાત ટુરીઝમની સાથે BSF, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ પણ સહયોગ કરી રહ્યા છે, તેથી આ સુવિધા થકી ખાડી વિસ્તારમાં પ્રવાસન વિકાસ માટે નવા દરવાજા ખોલી રહી છે.
મેન્ગ્રોવના જંગલોની સફર કરાવશે
ભવિષ્યમાં બોર્ડર રાઈડની સાથે પ્રવાસીઓને દરિયાઈ વિસ્તારમાં આવેલા ટાપુઓ પર પણ લઈ જવામાં આવશે જ્યાં તેમને મેન્ગ્રોવના જંગલોની સફર પર લઈ જવામાં આવશે, જેથી બોટ રાઈડની સાથે “મેન્ગ્રોવ સફારી”નો અનુભવ પણ થઈ શકે. દરિયાઈ સરહદ, ટાપુની મુલાકાત પ્રવાસીઓ માટે યાદગાર બની રહેશે. ઉલ્લેખનીય છે કે, પ્રવાસીઓ આ બોટ રાઈડ માટે ગુજરાત ટુરીઝમના નારાયણ સરોવર, કચ્છ ખાતે આવેલી હોટલ તોરણમાંથી તેમજ લક્કી નાળાની રૂબરૂ મુલાકાત લઈને બુકિંગ મેળવી શકશે.