સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓને લઈને આપણને એક પ્રશ્ન થાય કે લોકસભા, વિધાનસભાની ચૂંટણીઓ ઉપરાંત સ્થાનિકસ્વરાજની ચૂંટણી કેમ યોજાય છે?
ભારતના બંધારણમાં સત્તાના વિકેન્દ્રીકરણની વાત છે. ગામમાં રહેતો માણસ પોતાની સમસ્યાઓનો ઉકેલ પોતાના સ્તરે જલદી લાવી શકે તેવા ઉદ્દેશ સાથે સ્થાનિકસ્વરાજની સંસ્થાઓની રચના કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ મુકેશ ખટીક કહે છે કે નાનામાં નાનો વ્યક્તિ સ્થાનિક સરકારનોભાગ બને તે માટે સ્થાનિકસ્વરાજની ચૂંટણી યોજાય છે. ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાવ નીચા સ્તર પર કામ કરવા માટે પહોંચી શકતી નથી માટે સ્થાનિકસ્વરાજનો ખ્યાલ આપવામાં આવ્યો છે.
સ્થાનિકસ્વરાજની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે.
ભારત ગ્રામ્ય અને શહેરી બે ભાગમાં મુખ્યત્વે વહેંચાયેલું છે, ગ્રામીણ વિસ્તારમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સિસ્ટમ હોય છે. જ્યારે શહેરી વિસ્તારમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા હોય છે.
મહાત્મા ગાંધીએ પણ સ્થાનિકસ્વરાજ અને પંચાયતી રાજની વકીલાત કરી હતી, તેમની માન્યતા હતી કે સ્થાનિક સ્વરાજ દ્વારા જ આપણે ભારતના ગ્રામનો વિકાસ સાધી શકીશું.
ગાંધીજીએ હરિજન બંધુના એક લેખમાં લખ્યું હતું
“સ્વતંત્રતાની શરૂઆત પાયામાંથી થાય એટલે કે હિંદુસ્તાનનું એક-એક ગ્રામ રાજ્યઅમલની પૂરેપૂરી સત્તા ધરાવનારું પ્રજાસત્તાક અથવા પંચાયત હોય એનો અર્થ એ થયો કે દરેક ગામ પોતાની તાકાત પર નભતું હોય, પોતાનો કુલ વહેવાર ચલાવવાને અને જરૂર પડે, તો આખી દુનિયાની સામે પોતાનું રક્ષણ કરવા સમર્થ હોય”
ભારતમાં દેશને લગતા કાયદા બનાવવાનું કામ લોકસભા અને રાજ્યસભાનું છે, તેમ રાજ્ય સ્તરે કાયદા બનાવવાનું કામ વિધાનસભા અને વિધાનપરિષદનું રહેલું છે. ગુજરાતમાં વિધાનપરિષદ નથી જ્યારે મહારાષ્ટ્ર અને બીજાં રાજ્યમાં છે.
ભારતના બંધારણમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કરવાનાં કામોની યાદી બનાવવામાં આવી છે. ઉપરાંત બંનેએ ભેગા મળીને કરવાનાં કામોની યાદી પણ આપવામાં આવી છે.
તે જ પ્રકારે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ કામની વહેંચણી કરવામાં આવી છે.
સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓ કેમ મહત્ત્વની છે?
પંચાયતી રાજના જાણકાર અને એચ. કે. આર્ટ્સ કૉલેજના પૂર્વ અધ્યાપક પ્રોફેસર હેમંતકુમાર શાહ કહે છે કે તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં તમને જે કાંઈ પણ પ્રાથમિક સુવિધાઓની જરૂર પડે છે તે પૂરી પાડવાનું કામ સ્થાનિકસ્વરાજની સંસ્થા કરતી હોય છે. જેમ કે રસ્તા બનાવવા, ગટરની વ્યવસ્થા કરવી, પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરવી વગેરે જેવા કામ પંચાયત અથવા પાલિકા કરતી હોય છે માટે સ્થાનિક કામોના નિકાલ માટે આ ખૂબ જ જરૂરી છે. આ સંસ્થાઓ લોકોને સીધી રીતે સ્પર્શે છે.
ગુજરાત સરકારની પંચાયતી રાજ વિભાગની વેબસાઇટ પર ગ્રામ પંચાયતે કરવાનાં કામની યાદી આપવામાં આવી છે. જેમાં ઘર વપરાશ અને ઢોર માટે પાણીની વ્યવસ્થા કરવી, ગામમાં રસ્તાની સફાઈ, સરકારી મિલ્કતની જાળવણી, ગામમાં લાઇટ નાખવી, આરોગ્યની જાળવણી, ગામમાં પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણનો ફેલાવો કરવો, ગામની સરહદમાં પાકની સંભાળ રાખવી વગેરે જણાવવામાં આવી છે.
આજ પ્રકારે તાલુકા પંચાયતના કામની યાદી પણ આપવામાં આવી છે.
જેમાં ગામના રસ્તા બનાવવા, પ્રાથમિક શાળાઓ ખોલવી અને તેનું સંચાલન કરવું, તાલુકા કક્ષાએ આરોગ્યની સેવાઓ પૂરી પાડવી વગેરે જોગવાઈ કરવામાં આવી છે.
ભારતના બંધારણમાં પંચાયતી રાજની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત બંધારણની કલમ 243 જી પ્રમાણે પંચાયતની સત્તાઓ, સત્તાધિકાર અને જવાબદારીઓ સોંપવામાં આવી છે.
જેમાં 29 કાર્યો પંચાયતોએ કરવાના છે. જે પ્રમાણે ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની યાદીઓને વહેંચી દેવામાં આવી છે. આમાં રહેલી યાદી ભારતના બંધારણમાં આપવામાં આવેલી યાદી કરતાં પણ મોટી છે.
નગરપાલિકા અને મહાનગરપાલિકા વચ્ચે ભેદ શું છે?
નગરપાલિકાનો વહીવટ ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 મુજબ કરવામાં આવે છે. જ્યારે મહાનગરપાલિકાઓનો વહીવટ ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કૉર્પોરેશન ઍક્ટ દ્વારા થાય છે.
ભારતના બંધારણમાં પાલિકાઓ અંગે 74મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો. જેમાં નગરપાલિકાની રચના ક્યાં થશે એ અંગે કહેવામાં આવ્યું હતું કે નાના શહેરી વિસ્તાર માટે નગરપાલિકાની રચના થશે. જેને આપણે મ્યુનિસિપલ કાઉન્સિલ કહીએ છીએ.
જ્યારે મોટા શહેરી વિસ્તાર માટે મહાનગરપાલિકા (મ્યુનિસિપલ કૉર્પોરેશન)ની રચના થશે. આમ નગરપાલિકા અને મહાનગરપાલિકાની રચના શહેરની વસતિના આધારે થતી હોય છે.
નગરપાલિકા અને મહાનગરપાલિકા શું કામગીરી કરે છે?
મ્યુનિસિપલ કૉર્પોરેશન રસ્તાઓ અને ગટરની સાફસફાઈ કરવી, ફાયર સર્વિસ, આરોગ્યની સુવિધા, સ્ટ્રીટ લાઇટની સુવિધા, જાહેર સ્થળોની જાળવણી, સ્મશાન અને કબ્રસ્તાનની દેખરેખ રાખવી, જાહેર માર્કેટ બનાવવા, પ્રાથમિક શિક્ષણ આપવું, બ્રીજ બનાવવા, પાણીના સપ્લાયને ધ્યાનમાં રાખવું વગેરે છે.
શહેરમાં આરોગ્ય, ડ્રેનેજ, પાણી યોગ્ય રીતે મળી રહે તે જોવાનું ઉપરાંત કૉર્પોરેશન દ્વારા ચલાવાતી બસો, શાળાઓ, હૉસ્પિટલો, જીમ વગેરે યોગ્ય રીતે કામ કરે કે નહીં તેનું ધ્યાન આપવાનું હોય છે.
મ્યુનિસિપલ કૉર્પોરેશન શહેરમાં બનતી ઇમારતના પ્લાનની ચકાસણી, સરકારે બનાવેલા કાયદાઓનો ઇમારત બનાવતી વખતે અમલ થાય છે કે નહીં, ખાદ્યસામગ્રી યોગ્ય વેચાય છે કે નહીં આ તમામ પ્રકારની કામગીરી પણ કરે છે. મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ કેન્દ્ર સરકારની શહેરી વિકાસને લગતી અનેક યોજનાઓના અમલનું કામ પણ કરતી હોય છે.
આ ઉપરાંત મહાનગરપાલિકા પોતાના ખર્ચની રકમ વિવિધ પ્રકારના ટૅક્સથી ઊભી કરે છે, જ્યારે બાકીની રકમ તેને કેન્દ્ર અથવા રાજ્ય સરકારની વિવિધ યોજના દ્વારા મળે છે.
રાજકીય પક્ષો માટે આ ચૂંટણીઓ મહત્ત્વની કેમ?
રાજકીય પક્ષો સ્થાનિકસ્વરાજની ચૂંટણીને ખૂબ જ મહત્ત્વની ગણતા હોય છે. અનેક નેતાઓની કારકિર્દીની શરૂઆત સ્થાનિકસ્વરાજની ચૂંટણીથી થતી હોય છે.
ઘણી ઓછી વખત એવું બને કે કોઈ સંસદસભ્ય અથવા ધારાસભ્ય સીધા જ ચૂંટાય મોટા ભાગે તે લોકો સ્થાનિકસ્વરાજની ચૂંટણી લડીને આવતા હોય છે.
સ્થાનિક લોકો ધારાસભ્ય કે સંસદસભ્યના સીધા સંપર્કમાં હોતા નથી, તેઓ હંમેશાં પંચાયતના સભ્ય અથવા તો કૉર્પોરેટરના સભ્યના સંપર્કમાં હોય છે. કારણકે તેમને મળવું સરળ હોય છે. આમ રાજકીય પક્ષોને સ્થાનિક લોકો સુધી પહોંચવું હોય તો આ ચૂંટણી મહત્ત્વની બને છે.
વિધાનસભા અને સંસદની ચૂંટણીમાં ગ્રામ્યસ્તરે મતદારોને આકર્ષવા માટે અને સંગઠન ઊભું કરવા રાજકીય પક્ષો ચૂંટણીને મહત્ત્વની માને છે.
સામાન્ય રીતે રાજકીય પાર્ટીઓ પંચાયતની ચૂંટણીમાં સીધી રીતે ભાગ લઈ શકતી નથી કારણ કે તેમાં વ્યક્તિગત રીતે ઊભું રહેવાનું હોય છે ત્યારે પાર્ટીઓ પોતાના સમર્થકોને ટેકો જાહેર કરતી હોય છે. તે માત્રને માત્ર સંગઠન બનાવવા જ કરે છે.