સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2025 : સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થતાં ભાજપ, કોંગ્રેસ અને આપે ચૂંટણી મેદાને ઉતારવા મૂરતિયાઓની શોધખોળ આદરી છે. જોકે, ભાજપે અસંતોષના ડરથી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં નો રિપીટ થિયરી લાગૂ કરવા લગભગ મન બનાવી લીધુ છે. 60થી વધુ વય હશે અને બે ટર્મથી વધુ સમયથી ચૂંટનારાને ટિકિટ નહી મળે. ભાજપે નવા ચહેરાઓને વધુ પ્રાધાન્ય આપવા નક્કી કર્યુ છે.
પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ, 29-30મી જાન્યુઆરીએ ભાજપ સંસદીય બોર્ડની બેઠક
ગુજરાતમાં હાલ 66 પૈકી 42 પાલિકા પર ભાજપનો કબજો છે. વિધાનસભામાં બહુમત હાંસલ કર્યાં પછી પાલિકા-પંચાયત પર પણ રાજકીય દબદબો કાયમ રાખવા ભાજપે અત્યારથી કમર કસી છે. પાલિકા-પંચાયતની ચૂંટણીમાં મૂરતિાઓની પસંદગી કરવા માટે ભાજપે નિરીક્ષકોને જવાબદારી સોંપી છે. છેલ્લાં બે દિવસમાં દાવેદારોને મળીને સેન્સ પ્રક્રિયા આટોપી લેવામાં આવશે. નિરીક્ષકો દાવેદારોના નામોની પેનલ તૈયાર કરી પ્રદેશ નેતાઓને સોંપી દેશે.
સૂત્રોના મતે, આગામી 29-30મી જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઇ રહી છે જેમાં ઉમેદવારાના નામો પર મહોર મારવામાં આવશે. તા.1લી ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે તે જોતાં 31મીએ ભાજપ ઉમેદવારોના નામોની ઘોષણા કરે તેવી પૂરેપુરી શક્યતા જોવાઇ રહી છે.
ફેબ્રુઆરીનો માસ રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બની રહેશે કેમકે, 16મી ફેબ્રુઆરી પાલિકા-પંચાયતની ચૂંટણી યોજાશે. જ્યારે 18મીએ ચૂંટણી પરિણામો જાહેર થશે. આ પરિણામના બીજા દિવસથી વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થશે. પાલિકા-પંચાયતની ચૂંટણી પછી શહેર-જીલ્લા પ્રમુખોના નામોની જાહેરાત થઇ શકે છે.
પસંદગીમાં જૂથવાદ હાવી થવાનો ભાજપને ડર
ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોચ્યો છે. આ જોતાં શહેર-જીલ્લા પ્રમુખના નામોની જાહેરાત પર બ્રેક લગાવી દેવાઇ છે કેમકે, પ્રમુખપદની ખેંચતાણ એેટલી હદે થઇ રહી છેકે, અસંતોષની આગ ભભૂકે તેમ છે જેની સીધી અસર પાલિકા-પંચાયતની ચૂંટણી પરિણામો પર થાય તેમ છે. સંગઠનના પદ માટે અંદરોઅંદરની લડાઇ જામી છે ત્યારે હવે પાલિકા-પંચાયતમાં ટિકિટ માટે પણ પૂરજોશમાં લોબિંગ થઇ રહ્યુ છે. આ કારણોસર ઉમેદવારની પસંદગીમાં પણ જૂથવાદ હાવી થશે તેવો ભાજપને ડર સતાવી રહ્યો છે.
ચૂંટણીમાં લેટરકાંડ, જીલ્લા વિભાજન સહિતના મુદ્દા ભાજપને નડશે
એક તરફ, પાલિકા-પંચાયતની ચૂંટણી જીતવા ભાજપે રાજકીય કવાયત તેજ કરી છ તો બીજી તરફ, અમરેલી લેટરકાંડ ખુબ ગાજ્યો છે. બનાસકાંઠા જિલ્લા વિભાજનના મુદ્દો સરકાર વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. ભાજપમાં આંતકલહ વકર્યો છે. આ બધાય મુદ્દા ભાજપને નડી શકે છે. પાલિકા- પંચાયતની ચૂંટણીને આડે માત્ર પંદરેક દિવસો જ રહ્યાં છે ત્યારે ભાજપમાં અસંતોષની આગ પર ઠંડુ પાણી રેડનાર જ કોઇ નથી.