બાળકો-વાલીઓ અને શિક્ષકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી તેમજ સિવિલના સાઇકિયાટ્રિસ્ટની સાથે પરામર્શ કરી એક પરિપત્ર બહાર પાડવામાં આવશે અને બાળકોના ભવિષ્યની ચિંતા કરીને એક અભિયાન શરૂ કરવામાં આવશે.
તાજેતરમાં જ સુરતમાં માતા-પિતાએ મોબાઇલના ઉપયોગ મામલે ટકોર કરતાં બે યુવતીએ આપઘાત કરી લીધો છે. એને લઈ બાળકો દ્વારા થતા આપઘાતને લઈ ગુજરાત સરકાર ચિંતિત થઈ અને સ્માર્ટ ફોન-સોશિયલ મીડિયાના ઉપયોગ પર અંકુશ લાવવા તૈયારી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયા પછી દેશમાં સૌપ્રથમવાર ગુજરાત સરકાર સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનના યુઝ પર ગાઈડલાઇન લાવી રહી છે.
સમગ્ર દેશમાં કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે બાળકોમાં વાંચનશક્તિ અને રમતગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે, જેની ચિંતા કરી રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્વર્ણિમ સંકુલ-2 ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે બાળકોને સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર રાખી શકીએ એ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.
ક્લાસ-રૂમમાં શિક્ષકો દ્વારા મોબાઈલનો ઉપયોગ પર પ્રતિબંધ લાગી શકે છે
રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે બાળકોનો સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનનો વધુ ઉપયોગ તેમની શારીરિક અને માનસિક શક્તિને અસર કરી રહ્યો છે, બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને રમતગમત પ્રત્યે વધુ ધ્યાન આપે એ માટે વાલીઓ તેમજ શિક્ષકો માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવશે. એમાં શિક્ષકોનો ક્લાસરૂમમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ અને પ્રાથમિક શાળાનાં બાળકો મોબાઈલ લઈને શાળામાં ન જઈ શકે એ માટે કડક પગલાં લેવામાં આવશે.
પેરેન્ટ્સ બાળકના ભવિષ્યની ચિંતા કરી સોશિયલ મીડિયાથી દૂર રાખે
મંત્રીએ ઉમેર્યું હતું કે બાળકોના સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનના ઉપયોગને બદલે તેમને વાંચન–રમતગમત જેવી પ્રવૃત્તિઓમાં જોડાયેલાં રહે એ માટે શાળાઓના શિક્ષકોને માહિતગાર કરવામાં આવશે, સાથોસાથ મંત્રીએ બાળકોનાં માતા-પિતાને વિનંતી કરી હતી કે બાળકોની સામે પોતે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરે, માતા-પિતા પોતે પોતાના બાળકના ભવિષ્યની ચિંતા કરીને સોશિયલ મીડિયાથી તેને દૂર રાખે.
અન્ય રાજ્યો પણ ગુજરાત મોડલ પરથી પ્રેરણા લઈ શકે છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સમગ્ર ભારતમાં અને ઉચ્ચતર-ટેક્નિકલ શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના નેતૃત્વમાં બાળકો સોશિયલ મીડિયાથી દૂર રહી પોતાના જીવનમાં વાંચન અને રમતગમતને સ્થાન આપે એ માટે શિક્ષકો અને વાલીઓ–બાળકો માટે એક પરિપત્ર બહાર પાડનારું ગુજરાત પ્રથમ રાજ્ય હશે અને અન્ય રાજ્યો ગુજરાતથી પ્રેરણા લેશે એવી મંત્રીએ આશા વ્યક્ત કરી હતી.
વધુમાં મંત્રીએ એન.જી.ઓ, ધાર્મિક સંસ્થાઓ, તેમજ સામાજિક કાર્યકરો તેમજ મીડિયાના મિત્રોને બાળકોને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનથી દૂર રહે એ માટેના મહાભિયાનમાં જોડાવા વિનંતી કરી હતી તેમજ ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી સરકાર સાથે મળીને કઈ રીતે આ મહાભિયાન લોકો સુધી વધુ ને વધુ પહોંચે એ અંગે ચર્ચા કરવામાં આવી હતી. દરેક શાળામાં શોર્ટ ફિલ્મ મારફત બાળકોના વાલીઓને સોશિયલ મીડિયાના ઉપયોગ અને એના નુકસાન વિશે માહિતગાર કરવામાં આવશે, વાલીઓ અને શિક્ષકો જો જાગ્રત હશે તો જ બાળકો સોશિયલ મીડિયાથી દૂર રહી વાંચનની સાથે પોતાનો જીવન ઘડતર અને સ્પોર્ટ્સ સાથે જોડાઈને પોતાની તંદુરસ્તીનો ખ્યાલ રાખી શકશે.
ભારતીય યુઝર્સ રોજ સરેરાશ 7.3 કલાક સ્માર્ટ ફોન પર વિતાવે છે
એક ભારતીય ઓછામાં ઓછા 11 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સર્ચ ફર્મ ‘રેડસીર’ અનુસાર, ભારતીય યુઝર્સ દરરોજ સરેરાશ 7.3 કલાક સુધી તેમની નજર તેમના સ્માર્ટફોન પર રાખે છે. તેઓ મોટા ભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે, જ્યારે અમેરિકન યુઝર્સનો સરેરાશ સ્ક્રીન સમય 7.1 કલાક છે અને ચીની યુઝર્સનો 5.3 કલાક છે. ભારતીય યુઝર્સ પણ સોશિયલ મીડિયા એપ્સનો સૌથી વધુ ઉપયોગ કરે છે. અમેરિકા અને બ્રિટનમાં સરેરાશ એક વ્યક્તિ પાસે 7 સોશિયલ મીડિયા એકાઉન્ટ છે, જ્યારે એક ભારતીય ઓછામાં ઓછા 11 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાજર છે.
ઓસ્ટ્રેલિયા-બ્રિટનમાં ટૂંક સમયમાં પ્રતિબંધ લાગી શકે
ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર ટૂંક સમયમાં પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયાની સંસદમાં આ અંગેનું બિલ પણ રજૂ કરવામાં આવ્યું છે. બિલ મુજબ, જો X, TikTok, Facebook અને Instagram જેવાં પ્લેટફોર્મ બાળકોને એકાઉન્ટ રાખવાથી રોકવામાં નિષ્ફળ જાય છે, તો તેમને $32.5 મિલિયન સુધીનો દંડ થઈ શકે છે.
ભારત સરકાર દ્વારા લીધેલ પગલાં
ભારત સરકારે 17 ઓક્ટોબર 2000ના રોજ સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે IT એક્ટ ઘડ્યો હતો. એને સાયબર લો પણ કહેવામાં આવે છે. આ કાયદામાં 94 કલમ છે, જેમાં 13 પ્રકરણ અને 4 અનુસૂચિનો સમાવેશ થાય છે. IT એક્ટમાં 2008માં સુધારો કર્યો હતો.
20 ડિસેમ્બર 2018ના રોજ ગૃહ મંત્રાલયે 10 કેન્દ્રીય એજન્સીઓને કોમ્પ્યુટરમાં સંગ્રહિત ડેટા પર દેખરેખ રાખવાની સત્તા આપી હતી. આ કાયદાની કલમ 69A હેઠળ ઓનલાઈન કન્ટેન્ટ અને મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવી શકાય છે. આ કાયદા હેઠળ 2020માં ટિકટોક એપને પ્રતિબંધિત કરવામાં આવી હતી.