દિયોદર-ઓગડને અલગ જિલ્લો બનાવવાની માગ સાથે છેલ્લા 10 દિવસથી ધરણા ચાલી રહ્યા છે. ત્યારે ધરણા સ્થળે આજે સાંસદ ગેનીબેન ઠાકોરે મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે નિવેદન આપ્યું હતું કે, માત્ર એક વ્યક્તિની જિદ અને અહંકારને કારણે આખા વિસ્તારને ખેદાન-મેદાન કરી નાખવામાં આવ્યો છે.
દિયોદર-ઓગડ સંકલન સમિતિના સભ્યોએ સાંસદ ગેનીબેન ઠાકોરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આવેદનપત્ર સ્વીકારતા સાંસદે જણાવ્યું કે, આ વિસ્તારના લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને તેઓ સરકારને પત્ર લખશે જેથી આ મુદ્દે પુનઃવિચારણા થઈ શકે.
લોકોની લાગણી સાથે જોડાયેલો મુદ્દો સાંસદે વધુમાં ઉમેર્યું કે દિયોદર-ઓગડને અલગ જિલ્લો બનાવવાની માંગ લાંબા સમયથી ચાલતી હતી અને આ વિસ્તારના લોકોની લાગણી સાથે જોડાયેલો મુદ્દો છે. તેમણે આશા વ્યક્ત કરી કે સરકાર લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેશે. જોકે ધરણા સ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયેલા જોવા મળ્યા રહેતા અને તેમણે પોતાની માંગણીઓ સાંસદ સમક્ષ મૂકી હતી.
બનાસકાંઠા જિલ્લો એ સૌથી મોટો જિલ્લો હતો કોંગ્રેસ સંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં ભૌગોલિક દૃષ્ટિએ બનાસકાંઠા જિલ્લો એ સૌથી મોટો જિલ્લો હતો. વારંવાર રજૂઆત થતી હતી કે જિલ્લાનું વિભાજન કરી નવો જિલ્લો બનાવવામાં આવે. જેમાં દિયોદર, રાધનપુર, થરાદની માંગણીઓ હતી. આજે બનાસકાંઠા જિલ્લા સાંસદ તરીકે અહીંના નવા જિલ્લાની ઓગડની માંગણી હતી. ઓગડ જિલ્લા સમિતિ સાથે મળીને મને જે આવેદનપત્ર પાઠવ્યું છે, જે આવેદનપત્ર હું સરકાર સુધી પહોંચાડીશ.
સરકારે લોકશાહીમાં લોકોને સંભાળવા પડે સરકારે લોકોને ન સાંભળ્યા હોવાનો ગેનીબેનનો આક્ષેપ કર્યો હતો અને જણાવ્યું હતું કે, જ્યારે સરકારે જિલ્લો જાહેર કર્યો, ત્યારે કોઈપણ જિલ્લાનું વિભાજન હોય, તાલુકાનું વિભાજન હોય, સ્થાનિક લોકો અને સ્થાનિક પ્રજાના પ્રતિનિધિઓને સાંભળીને ભૌગોલિક દૃષ્ટિએ તેમને વિશ્વાસમાં લઈને નિર્ણય લીધો હોત, તો અત્યારે ધાનેરા, કાંકરેજ, દિયોદર નારાજ ન થાત. જેમાં 8 વિદ્યાનસભામાંથી 4 વિધાનસભા નારાજ હોઈ, ત્યારે સરકારને લોકશાહીમાં તેમને સંભાળવા પડે. અહીંના લોકો એમની પાસે રજુઆત કરવા ગયા હોત, તો તેમને પૂરતા સાંભળ્યા નથી.
ભૂતકાળમાં સરકારે ત્રણ-ચાર તાલુકાના જિલ્લા બનાવ્યા વધુમાં ગેનીબેન કહ્યું હતું કે ભૂતકાળમાં સરકારે ત્રણ-ત્રણ, ચાર-ચાર તાલુકાઓના જિલ્લા બનાવ્યા છે, તો સરકાર થરાદ અને દિયોદરને જિલ્લો બનાવો હતો, એ સરકાર બનાવી શકતી હતી. ઓગડ જિલ્લો બનાવ્યો હોત તો કાંકરેજ પણ પાલનપુરમાં જવાની અપેક્ષા ના રાખત. સરકારને એકને બદલે બે જિલ્લા બનાવવાની જરૂર હતી, પરંતુ એવું નથી કર્યું, માત્ર ને માત્ર એક વ્યક્તિના અહમ અને એક વ્યક્તિના નિર્ણય માટે આખા જિલ્લાને ખેદાન મેદાન કરીને જે લોકોની લાગણી હતી, તે લોકોની લાગણી ગ્રાહ્ય રાખી નથી, જે રજૂઆતો છે, તે રજૂઆતો હું સરકાર સુધી પહોંચાડીશ.