ગુજરાત ભાજપે ત્રણ વર્ષ પહેલાં ચૂંટણી સમયે ગુજરાતમાં કૉમન સિવિલ કોડ અંગે જાહેરાત કરી હતી, હવે એને અમલમાં મૂકવા માટે ગુજરાત સરકારે પાંચ સભ્યોની કમિટીની રચના કરી છે.
કમિટીની રચનાની જાહેરાત બાદ આદિવાસી અને મુસ્લિમ આગેવાનોએ ચિંતા વ્યક્ત કરી છે. તો સરકારનું કહેવું છે કે આમાં કોઈ સમાજને ટાર્ગેટ કરાઈ રહ્યો નથી. ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સયુંકત પત્રકારપરિષદમાં કૉમન સિવિલ કોડની જાહેરાત કરી હતી. જાહેરાત પ્રમાણે, સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત નાયાધીશ રંજના દેસાઈ, વીર નર્મદ યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર, ગુજરાતના જાણીતા વકીલ આર.સી. કોડેકર, નિવૃત્ત આઇએએસ ઑફિસર એલસી મીણા અને સામાજિક કાર્યકર ગીતા શ્રૉફની કમિટી 45 દિવસમાં એનો રિપોર્ટ રજૂ કરશે.
પત્રકારપરિષદ બાદ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, “કમિટી યુનિફૉર્મ સિવિલ કોડના અમલ માટે રિપોર્ટ આપશે, એમાં કોઈ જ્ઞાતિ કે ધર્મના હક્ક બદલવાની વાત નથી, અમે ચૂંટણી સમયે આપેલા વાચનના અમલનું કામ કરી રહ્યા છીએ, જેમ 370 કલમની નાબૂદી, વન નૅશન વન ઇલૅક્શન, નારીશક્તિ અધિનિયમ, ટ્રિપલ તલાક જેવાં વચનોને પૂર્ણ કર્યાં છે, એ જ રીતે અમે ચૂંટણી સમયે આપેલા કૉમન સિવિલ કોડના વચનને પૂરું કરવાનો આ પ્રયાસ છે.” ભૂપેન્દ્ર પટેલ કહ્યું હતું કે, ‘ગુજરાતમાં કૉમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા કમિટી બનાવી છે, આ રિપોર્ટ આવ્યા પછી એનો અભ્યાસ કરી આગળ કાર્યવાહી થશે.’ હર્ષ સંઘવીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “આ રિપોર્ટ માટે તમામ ધર્મના આગેવાન, ગુરુઓના આભિપ્રાય લેવામાં આવશે. એક ભ્રમ ફેલાવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે આદિવાસીઓના હક્ક પર અસર કરશે, પણ આદિવાસીઓના હક્ક પર કોઈ અસર નહીં થાય.”
કૉમન સિવિલ કોડ અંગે શું કહે છે મુસ્લિમ આગેવાનો?
મુસ્લિમ આગેવાનોએ ગુજરાતમાં કૉમન સિવિલ કોડને મુસ્લિમ સમાજના ‘અધિકાર પર તરાપ’ મારવાનો પ્રયાસ ગણાવ્યો છે. જમાત-એ-ઇસ્લામી હિંદના ગુજરાતના પ્રમુખ ડૉ. મહંમદ સલીમ પટ્ટીવાળાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “અહીં પણ ઉત્તરાખંડમાં જેમણે કૉમન સિવિલ કોડ બનાવ્યો છે એ જ છે. એમણે ઉત્તરાખંડમાં પણ લોકતાંત્રિક રીતે કૉમન સિવિલ કોડ લાગુ કર્યો નથી.” તેમણે દાવો કર્યો કે, “મુસ્લિમ પર્સનલ-લૉ ઇસ્લામનું અભિન્ન અંગ છે. શરિયત ઍપ્લિકેશન ઍક્ટ સુરક્ષિત છે. કોઈ પણ રાજ્યને કૉમન સિવિલ કોડ લગાવવાનો અધિકાર નથી. અમે માત્ર મુસ્લિમ નહીં, શીખ, આદિવાસી, ખ્રિસ્તીઓ અને બૌદ્ધ સમાજના લોકો કોર્ટમાં આને પડકારવાના છીએ.”
તેઓ આગળ કહે છે કે, “ઉત્તરાખંડમાં લિવ-ઇન રિલેશનશિપને માત્ર રજિસ્ટ્રેશનના આધારે મંજૂરી આપવામાં આવી છે. આ ધર્મનું નૈતિક અધઃપતન નથી? માત્ર મુસ્લિમોને ટાર્ગેટ કરી આ કાયદો બનાવાઈ રહ્યો છે, જેનો અમે કાનૂની રીતે વિરોધ કરીશું.” એક તરફ મુસ્લિમ સમાજને નિશાન બનાવવાનો આરોપ લાગી રહ્યો છે તો બીજી તરફ ગુજરાતમાં આગામી નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીને જોતાં આ નિર્ણય લેવાયો હોવાના પણ આરોપ થઈ રહ્યા છે. જાણીતા સામાજિક કાર્યકર અને મુસ્લિમ અગેવાન કલીમ સિદ્દીકીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “આ મુસ્લિમ સમાજને દબાવવાનો પ્રયાસ છે. આ કાયદો લાવી મુસ્લિમ સમુદાયના તમામ હક્કો પર તરાપ મારવાની કોશિશ થઈ રહી છે.”
તેઓ આગળ કહે છે કે, “આ પૉલિટિકલ એજન્ડા હેઠળ કૉમન સિવિલ કોડ લવાઈ રહ્યો છે. ઉત્તરાખંડમાં એક પ્રયાસ કર્યો છે જેમાં આદિવાસીઓને બાકાત રાખ્યા છે, મુસ્લિમોને એક તરફ કરી બહુમતીના 90 ટકા માટે પોતાની તરફ ખેંચવાનો એજન્ડા છે. નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ જાહેરાત કરી મતોનું ધ્રુવીકરણ કરી રહ્યા છે.”
જાણીતા મુસ્લિમ અગ્રણી શહઝાદ ખાન પઠાણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “આ મતોનું ધ્રુવીકરણ કરવાની વાત છે. ટ્રિપલ તલાકનો કાયદો લાવ્યા પછી મુસ્લિમ મહિલાઓએ કેટલા કેસ કરાયા એ જુઓ. લઘુમતી સમાજ એમના કાયદા અને શરિયતના નિયમોને વળગી રહે છે. મુસ્લિમ સમાજમાં પહેલાં ભાગલા પાડવા માટે ટ્રિપલ તલાકનો કાયદો લાવી મુસ્લિમ મહિલાઓમાં ચિનગારી ભડકાવવાનો પ્રયાસ થયો, પણ મુસ્લિમ સમાજ એક થઈને રહ્યો છે.” શહઝાદ ખાન પઠાણે કહ્યું કે, “ત્યારે (2022) ચૂંટણી વખતે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાવવાની વાત કરી હતી, પણ 2024માં લોકસભાની ચૂંટણી હતી એટલે એને મુલતવી રાખી. હવે આ કમિટીની જાહેરાત નગરપાલિકામાં ચૂંટણી સમયે કરી છે.” શહઝાદ પઠાણ કહે છે કે, “આ એક લિટ્મસ ટેસ્ટ છે. જો ફાયદો થયો તો 2026માં થનારી મિની વિધાનસભા જેવી મ્યુનિસિપલ કૉર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કરવામાં આવશે. આનો મુસદ્દો તૈયાર થશે ત્યારે ખબર પડશે. કમિટીમાં નક્કી થયેલાં પાંચ સભ્યોમાં ધર્મગુરુઓ અને ધાર્મિક આગેવાનોનો સમાવેશ નથી કરાયો એ બતાવે છે કે ‘દાળમાં કંઈક કાળું’ છે.”
કૉમન સિવિલ કોડ અંગે આદિવાસીમાં શું ચિંતા છે?
સમાન નાગરિક સંહિતામાં આદિવાસીઓના હક્કો, પરંપરાઓ અને સંસ્કૃતિને લઈને ચિંતા થવાના આરોપ છે. ઉત્તરાખંડમાં કૉમન સિવિલ કોડમાં બહુપત્નીત્વ પર રોક મૂકવામાં આવી છે અને લિવ-ઇન રિલેશનશિપને લઈને નિયમો ઘડવામાં આવ્યા છે. જેને જોતાં આદિવાસી સમાજમાં પણ ચિંતાઓ છે. જોકે ઉત્તરાખંડમાં આદિવાસીઓને યુસીસીમાંથી બાકાત રખાયા છે. ગુજરાતમાં આદિવાસી એકતા ટ્રસ્ટના આગેવાન પ્રવીણ પારગીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “આદિવાસી સમાજના નિયમો અલગ છે. અહીં બહુ પત્નીત્વ, કુદરતની પૂજા, અમારાં અલગ બંધારણ છે જેને ભારતીય બંધારણે પણ મંજૂરી આપી છે. અમારી પૂજાપદ્ધતિ, લગ્નપદ્ધતિ અલગ છે, અમારા 244 પ્રમાણે અલગ જોગવાઈ છે, જો એ કૉમન સિવિલ કોડમાં આ હક્કો છીનવાશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.” પ્રવીણ પારગી આગળ કહે છે કે રાજ્ય સરકારે કમિટી બનાવી છે એમાં કોઈ આદિવાસી નથી. બંધારણે અમને જે હક્ક આપ્યા છે એમાં ફેરફાર કરશે તો અમે વિરોધ કરીશું.
તો આદિવાસી નેતા રાજુ પારગીએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, “કૉમન સિવિલ કોડમાં આદિવાસીઓનો સમાવેશ કરવામાં આવે તો આદિવાસીઓને નુકસાન થાય એમ છે. આદિવાસીઓના પોતાના સમુદાયને લગતા અલગ-અલગ કાયદા છે. અમારા વિસ્તારમાં અમારા કાયદા અને નિયમ મુજબ અમારી આંતરિક સમસ્યાઓને દૂર કરવાના અલગ કસ્ટમરી કાયદા છે.” તેઓ આગળ જણાવે છે કે જો (મામલો) એમાંથી (કસ્ટમરી કાયદા) પર હોય ત્યારે જ અમારો સમાજ સરકારી કાયદાની શરણે જાય છે. એનું હનન તો અમે ચલાવી નહીં જ લઈએ. રાજુ પારગી અનુસાર, “પંચમહાલમાં ભીલના કાયદા અલગ છે, સાબરકાંઠા અરવલ્લીમાં ડુંગરી ગરાસિયાના કાયદા અલગ છે, મધ્ય ગુજરાતના રાઠવા, દક્ષિણ ગુજરાતમાં વસાવા અને ચૌધરીના કાયદા અલગ છે. અમે અત્યારે તમામ જિલ્લાના આદિવાસી નેતાઓ સાથે સંપર્ક કરી રહ્યા છીએ. જો કોઈ આ કાયદામાં ફેરફાર કરશે તો અમે લડત આપીશું અને આ અંગે અમે અમદાવાદમાં એક બેઠક બોલાવીશું.”
રાજ્ય સરકારનું કહેવું છે કે તે કોઈ પણ સમાજનો હક્ક છીનવી લેવા માગતી નથી.
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે “અમે 2022માં આપેલું વચન પાળી રહ્યા છીએ, અમે કોઈ સમાજના હક્કો છીનવવા માગતા નથી, પણ તમામ સમાજને સમાન હક્કો આપવાનો હેતુ છે.” તેમનો દાવો છે કે “સરકારે બુલડોઝર ફેરવ્યાં છે તો ગેરકાયદે દબાણો દૂર કર્યાં છે. એમાં કોઈ લઘુમતી સમાજને ટાર્ગેટ નથી બનાવ્યો. બહુમતી સમાજનાં ગેરકાયદે દબાણો પણ દૂર કર્યાં છે. એ મુદ્દાઓને કોઈ ઉજાગર કરતું નથી અને એક એવી છાપ ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે સરકાર ચોક્કસ વર્ગને ટાર્ગેટ બનાવે છે, પણ રાજ્યના વિકાસ માટે કામ થાય છે.” હર્ષ સંઘવીએ કહ્યું કે “કૉમન સિવિલ કોડ એનો એક ભાગ છે. ખોટું અર્થઘટન કરી લોકોને ઉશ્કેરવાનું કામ થાય એ દુઃખદ છે. હજુ ત્રણ દિવસ પછી કમિટી કામ કરશે. 45 દિવસ પછી એ રિપોર્ટ આવ્યા બાદ કાયદાનો મુસદ્દો તૈયાર થશે. આ સમિતિ દરેક ધર્મના ધર્મગુરુઓ આગેવાનોને મળી રિપોર્ટ તૈયાર કરશે એટલે કોઈને અન્યાય થવાનો સવાલ નથી ઉપસ્થિત થતો.